Sunday, October 18, 2026

ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો – સરળ નોટ્સ

ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

જ્યારે પદાર્થની પ્રકૃતિ અને ઓળખમાં ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના મુદ્દા સરળ ભાષામાં સમજાવ્યા છે.

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
વિજ્ઞાન · ધોરણ 10 · પ્રકરણ 1

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

Chemical Reactions and Equations

1.1 રાસાયણિક સમીકરણો

Chemical Equations

રાસાયણિક પ્રક્રિયા એટલે શું?

જ્યારે પદાર્થની પ્રકૃતિ (સ્વભાવ) અને ઓળખમાં ફેરફાર થાય, એટલે કે રાસાયણિક ફેરફાર થાય, ત્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહેવાય.

રોજિંદા ઉદાહરણો: દૂધ ખુલ્લું રાખતાં બગડવું, લોખંડને કાટ લાગવો, દ્રાક્ષનું આથવણ, ખોરાક રંધાવો, ખોરાકનું પાચન, શ્વાસ લેવો.

રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે કેવી રીતે જાણી શકાય?

અવસ્થામાં પરિવર્તન
રંગમાં પરિવર્તન
વાયુનો ઉદ્ભવ
તાપમાનમાં પરિવર્તન

શાબ્દિક સમીકરણ (Word Equation)

  • પ્રક્રિયાને ટૂંકમાં લખવાનો સૌથી સરળ રસ્તો શાબ્દિક સમીકરણ છે.
  • પ્રક્રિયકો (Reactants) ડાબી બાજુ (LHS) લખાય છે, વચ્ચે + ચિહ્ન.
  • નીપજો (Products) જમણી બાજુ (RHS) લખાય છે, વચ્ચે + ચિહ્ન.
  • બંને વચ્ચે તીર (→) હોય છે. તીરનો અગ્રભાગ નીપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે.
મેગ્નેશિયમ + ઑક્સિજન → મેગ્નેશિયમ ઑક્સાઇડ
(1.1)
પ્રક્રિયકો: મેગ્નેશિયમ, ઑક્સિજન · નીપજ: મેગ્નેશિયમ ઑક્સાઇડ (નવો પદાર્થ)
પ્રવૃત્તિ 1.1
ચેતવણી: શિક્ષકની મદદ જરૂરી. આંખોના રક્ષણ માટે ચશ્માં પહેરવા.
  1. 3-4 cm લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચપેપર (sandpaper) વડે ઘસીને સ્વચ્છ કરો.
  2. ચીપિયા (સાણસી) વડે પકડીને બર્નર / સ્પિરિટ લેમ્પથી સળગાવો.
  3. રાખને વૉચગ્લાસમાં એકત્ર કરો. પટ્ટી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો.
અવલોકન: પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાઉડર (મેગ્નેશિયમ ઑક્સાઇડ) બને છે. Mg + હવાના O2 વચ્ચે પ્રક્રિયા થાય છે.
2Mg + O2 → 2MgO
ચીપિયો Mg-પટ્ટી MgO (રાખ) બર્નર
આકૃતિ 1.1 · Mg-પટ્ટીનું સળગવું, MgO વૉચગ્લાસમાં
પ્રવૃત્તિ 1.2
  • એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો.
  • તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો.
અવલોકન: પીળા રંગનો અવક્ષેપ (lead iodide) મળે છે, એટલે રંગમાં ફેરફાર.
પ્રવૃત્તિ 1.3
  • કોનિકલ ફ્લાસ્કમાં થોડા ઝિંકના દાણા લો.
  • તેમાં મંદ HCl અથવા મંદ H2SO4 ઉમેરો. એસિડ સાવચેતીથી વાપરવો.
  • ઝિંકના દાણા ફરતે પરપોટા દેખાય છે, ફ્લાસ્કને અડકતાં તાપમાનમાં ફેરફાર લાગે છે.
અવલોકન: વાયુ (H2) ઉદ્ભવે છે અને ફ્લાસ્ક ગરમ થાય છે.
H2 વાયુ કાચની નળી કોનિકલ ફ્લાસ્ક મંદ એસિડ દાણાદાર Zn
આકૃતિ 1.2 · Zn + મંદ H2SO4 → હાઇડ્રોજન વાયુ

1.2.1 સંયોગીકરણ પ્રક્રિયા

Combination Reaction

યાદ રાખો

બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નીપજ બને તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

ધોરણ 9 માં શીખ્યા: રાસાયણિક પ્રક્રિયામાં એક તત્ત્વના પરમાણુ બીજા તત્ત્વમાં ફેરવાતા નથી, કે પરમાણુ અદૃશ્ય થતા નથી. પરમાણુઓ વચ્ચેના બંધો તૂટીને નવા બંધો બને છે અને નવા પદાર્થ ઉદ્ભવે છે.

પ્રવૃત્તિ 1.4
  • બીકરમાં કૅલ્શિયમ ઑક્સાઇડ (કળીચૂનો) નો થોડો જથ્થો લો.
  • તેમાં ધીરે-ધીરે પાણી ઉમેરો.
  • બીકરને સ્પર્શ કરો.
અવલોકન: બીકર ગરમ લાગે છે. CaO પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો (કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ) બનાવે છે અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન કરે છે.
બીકર પાણી CaO ઉષ્મા
આકૃતિ 1.3 · CaO + પાણી, ફોડેલો ચૂનો બને છે
CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા
(1.13)
કળીચૂનો + પાણી → ફોડેલો ચૂનો
C(s) + O2(g) → CO2(g)
(1.15)
કોલસાનું સળગવું
2H2(g) + O2(g) → 2H2O(l)
(1.16)
H2 અને O2 માંથી પાણીનું નિર્માણ

શું તમે જાણો છો?

  • ફોડેલા ચૂનાનું દ્રાવણ દીવાલો ધોળવા વપરાય છે.
  • Ca(OH)2 હવાના CO2 સાથે ધીમી પ્રક્રિયા કરી દીવાલ પર CaCO3 નું પાતળું સ્તર બનાવે છે. 2-3 દિવસ પછી દીવાલ પર ચમક આવે છે.
  • આરસપહાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે.
Ca(OH)2(aq) + CO2(g) → CaCO3(s) + H2O(l)
(1.14)

ઉષ્માક્ષેપક (Exothermic) પ્રક્રિયાઓ

જે પ્રક્રિયાઓમાં નીપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે.

  • કુદરતી વાયુનું સળગવું (દહન)
  • શ્વસન: ખોરાકના ગ્લુકોઝનું શરીરના કોષોમાં O2 સાથે સંયોજાઈને ઊર્જા આપવી
  • વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું
CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(g)
(1.17)
કુદરતી વાયુનું દહન
C6H12O6(aq) + 6O2(aq) → 6CO2(aq) + 6H2O(l) + ઊર્જા
(1.18)
શ્વસન (ગ્લુકોઝ)
પ્રવૃત્તિ 1.1 ની પ્રક્રિયા (Mg + O2 → MgO) પણ સંયોગીકરણ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

1.2.2 વિઘટન પ્રક્રિયા

Decomposition Reaction

યાદ રાખો

વિઘટન પ્રક્રિયા સંયોગીકરણથી વિરુદ્ધ છે. એક જ પ્રક્રિયક તૂટીને બે કે વધુ સરળ નીપજો આપે છે.

  • ઉષ્મીય વિઘટન: ઉષ્માથી થતું વિઘટન
  • વિદ્યુતીય વિઘટન: વિદ્યુતથી થતું વિઘટન (પાણી)
  • પ્રકાશીય વિઘટન: સૂર્યપ્રકાશથી થતું વિઘટન (AgCl, AgBr)
પ્રવૃત્તિ 1.5 · ફેરસ સલ્ફેટ
  1. ઉત્ક્લન નળી (boiling tube) માં આશરે 2 g ફેરસ સલ્ફેટના સ્ફટિકો લો. રંગ નોંધો.
  2. નળીને બર્નરની જ્યોત પર ગરમ કરો.
  3. નળીનું મોં તમારા કે પાડોશી તરફ ન રાખો. વાયુને ધીમેથી નાક તરફ વાળીને વાસ સૂંઘો.
અવલોકન: સ્ફટિકોનો લીલો રંગ બદલાય છે (ફેરિક ઑક્સાઇડ, ભૂરો). સલ્ફર બળવાની લાક્ષણિક વાસ આવે છે. FeSO4·7H2O માંથી પહેલાં પાણી દૂર થાય છે.
ઉત્ક્લન નળી FeSO4 સ્ફટિક બર્નર
આકૃતિ 1.4 · FeSO4 ગરમ કરવું, સાચી રીતે વાસ સૂંઘવી
2FeSO4(s) ઉષ્મા→ Fe2O3(s) + SO2(g) + SO3(g)
(1.19)
ફેરસ સલ્ફેટ → ફેરિક ઑક્સાઇડ (ઘન) + SO2 + SO3 (વાયુઓ)
CaCO3(s) ઉષ્મા→ CaO(s) + CO2(g)
(1.20)
ચૂનાનો પથ્થર → કળીચૂનો + CO2 · સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી, ઉષ્મીય વિઘટન
પ્રવૃત્તિ 1.6 · લેડ નાઇટ્રેટ
  1. ઉત્ક્લન નળીમાં આશરે 2 g લેડ નાઇટ્રેટ પાઉડર લો.
  2. ચીપિયા વડે પકડી જ્યોત પર ગરમ કરો.
અવલોકન: કથ્થાઈ રંગનો ધુમાડો નીકળે છે. આ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ (NO2) છે.
ઉત્ક્લન નળી લેડ નાઇટ્રેટ બર્નર NO2 (કથ્થાઈ)
આકૃતિ 1.5 · લેડ નાઇટ્રેટ ગરમ કરતાં NO2
2Pb(NO3)2(s) ઉષ્મા→ 2PbO(s) + 4NO2(g) + O2(g)
(1.21)
લેડ નાઇટ્રેટ → લેડ ઑક્સાઇડ + નાઇટ્રોજન ડાયૉક્સાઇડ + ઑક્સિજન
પ્રવૃત્તિ 1.7 · પાણીનું વિદ્યુતવિભાજન
  1. પ્લાસ્ટિકના કપના તળિયે બે છિદ્રો કરી રબરના બૂચ લગાવો. બૂચમાં કાર્બનના વિદ્યુતધ્રુવો દાખલ કરો.
  2. વિદ્યુતધ્રુવોને 6 V ની બૅટરી સાથે જોડો.
  3. કપમાં પાણી ભરો, થોડાં ટીપાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
  4. પાણીથી ભરેલી બે કસનળીઓ બંને ધ્રુવો પર ઊંધી ગોઠવો.
  5. વિદ્યુતપ્રવાહ ચાલુ કરી થોડી વાર રાખી મૂકો. ધ્રુવો પર પરપોટા બને છે અને પાણીનું વિસ્થાપન થાય છે.
  6. પરખ: સળગતી મીણબત્તી લાવો. (આ સોપાન શિક્ષક દ્વારા સાવચેતીપૂર્વક.)
અવલોકન: એક કસનળીમાં વાયુનું કદ બીજી કરતાં બમણું હોય છે. બમણા કદવાળી નળીમાં હાઇડ્રોજન (H2), કેથોડ પર; ઓછા કદવાળીમાં ઑક્સિજન (O2), ઍનોડ પર.
6 V H2 (2) O2 (1) કેથોડ (−) ઍનોડ (+)
આકૃતિ 1.6 · પાણીનું વિદ્યુતવિભાજન, H2 : O2 = 2 : 1
2H2O(l) વીજળી→ 2H2(g) + O2(g)
પાણીના બે અણુમાંથી 2 H2 અને 1 O2 મળે છે, તેથી H2 નું કદ બમણું.
પ્રવૃત્તિ 1.8 · સિલ્વર ક્લોરાઇડ
  1. ચાઈનાના ડિશમાં 2 g સિલ્વર ક્લોરાઇડ (સફેદ) લો.
  2. થોડી વાર સૂર્યના પ્રકાશમાં મૂકો.
અવલોકન: સફેદ AgCl રાખોડી રંગનું થાય છે, કારણ કે સિલ્વર ધાતુ બને છે. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ રીતે વર્તે છે. બંને પ્રક્રિયા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે.
સૂર્યપ્રકાશ ચાઈનાનો ડિશ + AgCl → Ag
આકૃતિ 1.7 · AgCl સૂર્યપ્રકાશમાં રાખોડી થાય છે
2AgCl(s) સૂર્યપ્રકાશ→ 2Ag(s) + Cl2(g)
(1.22)
2AgBr(s) સૂર્યપ્રકાશ→ 2Ag(s) + Br2(g)
(1.23)

ઉષ્માશોષક (Endothermic) પ્રક્રિયા

વિઘટનમાં પ્રક્રિયકો તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓમાં ઊર્જા શોષાય તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.

કરી જુઓ: કસનળીમાં આશરે 2 g બેરિયમ હાઇડ્રૉક્સાઇડ લો, 1 g એમોનિયમ ક્લોરાઇડ ઉમેરી કાચના સળિયાથી મિશ્ર કરો. તળિયું સ્પર્શ કરો: ઠંડુ લાગે છે, એટલે ઉષ્માશોષક પ્રક્રિયા.

1.2.3 વિસ્થાપન પ્રક્રિયા

Displacement Reaction

યાદ રાખો

જ્યારે સંયોજનમાંના એક તત્ત્વનું વિસ્થાપન બીજા (વધુ સક્રિય) તત્ત્વ દ્વારા થાય ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે.

ઝિંક અને લેડ, કૉપર કરતાં વધુ સક્રિય છે, તેથી કૉપરનાં સંયોજનોમાંથી કૉપરને વિસ્થાપિત કરે છે.

પ્રવૃત્તિ 1.9
  1. આયર્ન (લોખંડ) ની ત્રણ ખીલીઓ કાચપેપરથી ઘસીને સાફ કરો.
  2. કસનળી A અને B માં આશરે 10 mL કૉપર સલ્ફેટનું દ્રાવણ લો.
  3. બે ખીલીઓ દોરીથી બાંધી કસનળી B માં 20 મિનિટ ડુબાડો. એક ખીલી સરખામણી માટે અલગ રાખો.
  4. 20 મિનિટ પછી ખીલીઓ બહાર કાઢો. કસનળી A અને B ના દ્રાવણના રંગની તીવ્રતા સરખાવો. ખીલીઓના રંગ પણ સરખાવો.
અવલોકન: લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કૉપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો (આછો, આછો લીલો) થાય છે.
A B દ્રાવણ B આછું લીલું A: CuSO4 (ભૂરું) · B: FeSO4 બને છે પહેલાંપછી
આકૃતિ 1.8 · ખીલીનો રંગ કથ્થાઈ, દ્રાવણનો રંગ ઝાંખો
Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)
(1.24)
આયર્ન કૉપરને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે
Zn(s) + CuSO4(aq) → ZnSO4(aq) + Cu(s)
(1.25)
Pb(s) + CuCl2(aq) → PbCl2(aq) + Cu(s)
(1.26)

1.2.4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા

Double Displacement Reaction

યાદ રાખો

  • પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય તે દ્વિવિસ્થાપન પ્રક્રિયા.
  • અવક્ષેપ (Precipitate): પાણીમાં અદ્રાવ્ય પદાર્થ.
  • અવક્ષેપન પ્રક્રિયા: જે પ્રક્રિયા અવક્ષેપ ઉત્પન્ન કરે.
  • Ba2+ અને SO42− આયનની પ્રક્રિયાથી BaSO4 નો સફેદ અવક્ષેપ મળે છે. બીજી નીપજ NaCl દ્રાવણમાં દ્રાવ્ય રહે છે.
પ્રવૃત્તિ 1.10
  1. એક કસનળીમાં આશરે 3 mL સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો.
  2. બીજી કસનળીમાં આશરે 3 mL બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો.
  3. બંને દ્રાવણ મિશ્ર કરો.
અવલોકન: પાણીમાં અદ્રાવ્ય સફેદ પદાર્થ (અવક્ષેપ) બને છે.
Na2SO4 દ્રાવણ BaCl2 દ્રાવણ BaSO4 ↓ (સફેદ)
આકૃતિ 1.9 · BaSO4 નો સફેદ અવક્ષેપ
Na2SO4(aq) + BaCl2(aq) → BaSO4(s) + 2NaCl(aq)
(1.27)
સોડિયમ સલ્ફેટ + બેરિયમ ક્લોરાઇડ → બેરિયમ સલ્ફેટ (અવક્ષેપ) + સોડિયમ ક્લોરાઇડ

પ્રવૃત્તિ 1.2 યાદ કરો

લેડ(II) નાઇટ્રેટ + પોટેશિયમ આયોડાઇડ. અવક્ષેપ પીળો (લેડ આયોડાઇડ, PbI2) છે અને આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે.

Pb(NO3)2(aq) + 2KI(aq) → PbI2(s) + 2KNO3(aq)

1.2.5 ઑક્સિડેશન અને રિડક્શન

Oxidation and Reduction

યાદ રાખો

  • પદાર્થ ઑક્સિજન મેળવે (અથવા હાઇડ્રોજન ગુમાવે) તો તેનું ઑક્સિડેશન થયું.
  • પદાર્થ ઑક્સિજન ગુમાવે (અથવા હાઇડ્રોજન મેળવે) તો તેનું રિડક્શન થયું.
  • એક પ્રક્રિયકનું ઑક્સિડેશન અને બીજાનું રિડક્શન સાથે થાય, તેવી પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા છે.
પ્રવૃત્તિ 1.11
  1. આશરે 1 g કૉપરનો ભૂકો ચાઈનાના ડિશમાં લઈ ગરમ કરો.
અવલોકન: કૉપરના ભૂકા પર કાળા રંગના કૉપર(II) ઑક્સાઇડ નું પડ જામે છે (Cu માં O2 ઉમેરાય છે, એટલે Cu નું ઑક્સિડેશન).

આ ગરમ કરેલા CuO પરથી H2 વાયુ પસાર કરો તો કાળું આવરણ ફરી કથ્થાઈ (Cu) થાય છે, કારણ કે CuO નું રિડક્શન થાય છે.

કૉપરનો ભૂકો ધરાવતી ચાઈનાની ડિશ તારની જાળી ત્રિપાઈ
આકૃતિ 1.10 · Cu નું CuO માં ઑક્સિડેશન
2Cu + O2 ઉષ્મા→ 2CuO
(1.28)
Cu નું ઑક્સિડેશન
CuO + H2 ઉષ્મા→ Cu + H2O
(1.29)
CuO નું રિડક્શન, H2 નું ઑક્સિડેશન

રેડોક્ષ પ્રક્રિયા (1.30)

પદાર્થશું થયુંનામ
CuOઑક્સિજન ગુમાવ્યોરિડક્શન (CuO રિડક્શન પામ્યો)
H2ઑક્સિજન મેળવ્યો (H2O બન્યું)ઑક્સિડેશન
CuO + H2 ઉષ્મા→ Cu + H2O
(1.30)
ZnO + C → Zn + CO
(1.31)
ZnO નું રિડક્શન, C નું ઑક્સિડેશન
MnO2 + 4HCl → MnCl2 + 2H2O + Cl2
(1.32)
MnO2 નું રિડક્શન, HCl નું ઑક્સિડેશન

સ્વાધ્યાય · સ્વ-ચકાસણી

પાઠ્યપુસ્તકના બધા પ્રશ્નો · જવાબ જોવા ટૅપ કરો
1. 2PbO(s) + C(s) → 2Pb(s) + CO2(g) માટેનાં વિધાનો પૈકી કયાં ખોટાં છે?

જવાબ: (i) (a) અને (b)

(a) ખોટું: રિડક્શન લેડ ઑક્સાઇડ (PbO) નું થાય છે, કારણ કે તે ઑક્સિજન ગુમાવે છે.

(b) ખોટું: CO2 તો નીપજ છે. ઑક્સિડેશન કાર્બનનું (C → CO2) થાય છે.

(c) સાચું: કાર્બન ઑક્સિજન મેળવે છે. (d) સાચું: લેડ ઑક્સાઇડ રિડક્શન પામે છે.

2. Fe2O3 + 2Al → Al2O3 + 2Fe શેનું ઉદાહરણ છે?

જવાબ: (d) વિસ્થાપન પ્રક્રિયા

વધુ સક્રિય ઍલ્યુમિનિયમ, આયર્નને તેના ઑક્સાઇડમાંથી વિસ્થાપિત કરે છે.

3. લોખંડના ભૂકામાં મંદ HCl ઉમેરતાં શું થાય છે?

જવાબ: (a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે.

Fe + 2HCl → FeCl2 + H2

4. સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? તેને શા માટે સમતોલિત કરવું જોઈએ?

જે સમીકરણમાં દરેક તત્ત્વના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો અને નીપજો બંને તરફ સમાન હોય તે સમતોલિત સમીકરણ.

કારણ: દ્રવ્યમાન સંહતિનો નિયમ. પ્રક્રિયામાં દ્રવ્ય ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી, તેથી પરમાણુઓ બંને બાજુ સરખા હોવા જોઈએ.

5. વિધાનોને સમીકરણમાં રૂપાંતરિત કરી સમતોલિત કરો

(a) 3H2 + N2 → 2NH3

(b) 2H2S + 3O2 -> 2H2O + 2SO2

(c) 3BaCl2 + Al2(SO4)3 -> 3BaSO4 + 2AlCl3

(d) 2K + 2H2O -> 2KOH + H2

6. સમીકરણો સમતોલિત કરો

(a) 2HNO3 + Ca(OH)2 -> Ca(NO3)2 + 2H2O

(b) 2NaOH + H2SO4 -> Na2SO4 + 2H2O

(c) NaCl + AgNO3 -> AgCl + NaNO3 (પહેલેથી સમતોલિત છે)

(d) BaCl2 + H2SO4 -> BaSO4 + 2HCl

7. સમતોલિત રાસાયણિક સમીકરણો લખો

(a) Ca(OH)2 + CO2 -> CaCO3 + H2O

(b) Zn + 2AgNO3 -> Zn(NO3)2 + 2Ag

(c) 2Al + 3CuCl2 -> 2AlCl3 + 3Cu

(d) BaCl2 + K2SO4 -> BaSO4 + 2KCl

8. સમતોલિત સમીકરણ લખો અને પ્રક્રિયાનો પ્રકાર ઓળખો

(a) 2KBr(aq) + BaI2(aq) -> 2KI(aq) + BaBr2(aq) · દ્વિવિસ્થાપન

(b) ZnCO3(s) -> ZnO(s) + CO2(g) · વિઘટન

(c) H2(g) + Cl2(g) -> 2HCl(g) · સંયોગીકરણ

(d) Mg(s) + 2HCl(aq) -> MgCl2(aq) + H2(g) · વિસ્થાપન

9. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણો આપો.

ઉષ્માક્ષેપક: નીપજોની સાથે ઉષ્મા મુક્ત થાય. ઉદા. CH4 + 2O2 -> CO2 + 2H2O (કુદરતી વાયુનું દહન).

ઉષ્માશોષક: ઊર્જા શોષાય. ઉદા. CaCO3 -> CaO + CO2 (ગરમ કરવાથી), Ba(OH)2 + NH4Cl ની પ્રક્રિયા.

10. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે?

શ્વસનમાં ખોરાકનું ગ્લુકોઝ, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી CO2 અને પાણી બનાવે છે અને ઊર્જા (ઉષ્મા) મુક્ત થાય છે.

C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + ઊર્જા

11. વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા કેમ કહે છે?

સંયોગીકરણમાં બે કે વધુ પદાર્થો મળીને એક પદાર્થ બને છે, જ્યારે વિઘટનમાં એક પદાર્થ તૂટીને બે કે વધુ પદાર્થો આપે છે.

વિઘટન:

CaCO3 → CaO + CO2

સંયોગીકરણ:

CaO + H2O → Ca(OH)2

12. ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતથી થતી વિઘટન પ્રક્રિયાનું એક-એક સમીકરણ

ઉષ્મા:

CaCO3 → CaO + CO2

પ્રકાશ:

2AgCl → 2Ag + Cl2

વિદ્યુત:

2H2O → 2H2 + O2

13. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચે શું તફાવત છે?

વિસ્થાપન: વધુ સક્રિય તત્ત્વ, સંયોજનમાંથી ઓછા સક્રિય તત્ત્વને દૂર કરે છે.

Fe + CuSO4 → FeSO4 + Cu

દ્વિવિસ્થાપન: બે સંયોજનો વચ્ચે આયનોની આપ-લે થાય છે.

Na2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl

14. સિલ્વરના શુદ્ધીકરણમાં સમાવિષ્ટ પ્રક્રિયા

કૉપર, સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરને વિસ્થાપિત કરે છે.

Cu + 2AgNO3 → Cu(NO3)2 + 2Ag

15. અવક્ષેપન પ્રક્રિયા એટલે શું?

જે પ્રક્રિયામાં અદ્રાવ્ય ઘન પદાર્થ (અવક્ષેપ) બને તે અવક્ષેપન પ્રક્રિયા.

Na2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl

અહીં BaSO4 નો સફેદ અવક્ષેપ બને છે.

16. ઑક્સિડેશન અને રિડક્શન દરેકનાં બે ઉદાહરણ સહિત સમજાવો

(a) ઑક્સિડેશન: ઑક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું.

2Cu + O2 → 2CuO

2Mg + O2 → 2MgO

(b) રિડક્શન: ઑક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું.

CuO + H2 → Cu + H2O

ZnO + C → Zn + CO

17. કથ્થાઈ રંગના ચળકતા તત્ત્વ ‘X’ ને હવામાં ગરમ કરતાં કાળા રંગનું સંયોજન બને છે

X = કૉપર (Cu) · કાળું સંયોજન = કૉપર(II) ઑક્સાઇડ (CuO)

2Cu + O2 → 2CuO

18. લોખંડની વસ્તુઓ પર રંગ શા માટે લગાવીએ છીએ?

રંગ લોખંડને હવા અને ભેજના સંપર્કમાં આવતું અટકાવે છે, તેથી કાટ (ક્ષારણ) લાગતો નથી અને વસ્તુ લાંબો સમય ટકે છે.

19. તેલ અને ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે?

નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. તે ઑક્સિજનને દૂર રાખી ખોરાકનું ઑક્સિડેશન અટકાવે છે, જેથી ખોરાક ખોરો થતો (rancidity) નથી.

20. સમજાવો: (a) ક્ષારણ (b) ખોરાપણું

(a) ક્ષારણ: ધાતુ પર હવા, ભેજ, એસિડ વગેરેની અસરથી તેનું ધીમે ધીમે ક્ષય થવું. ઉદા. લોખંડને કાટ લાગવો, તાંબા પર લીલું સ્તર, ચાંદી પર કાળું સ્તર.

(b) ખોરાપણું: તેલ કે ચરબીયુક્ત ખોરાકનું ઑક્સિડેશન થવાથી વાસ અને સ્વાદ બદલાઈ જવા. ઉદા. લાંબો સમય રાખેલા તેલ કે ચવાણાનો બગડેલો સ્વાદ.

તમે શીખ્યાં કે (સારાંશ)

  • સંપૂર્ણ રાસાયણિક સમીકરણ પ્રક્રિયકો, નીપજો અને તેમની ભૌતિક અવસ્થાઓ પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે: (s) ઘન, (l) પ્રવાહી, (g) વાયુ, (aq) જલીય.
  • રાસાયણિક સમીકરણ સમતોલિત હોય છે. દરેક પ્રકારના પરમાણુઓની સંખ્યા ડાબી અને જમણી બાજુ સમાન હોવી જ જોઈએ.
  • સંયોગીકરણ: બે કે વધુ પદાર્થો મળીને એક નવો પદાર્થ બનાવે.
  • વિઘટન: સંયોગીકરણથી વિરુદ્ધ. એક પદાર્થ તૂટીને બે કે વધુ પદાર્થો આપે.
  • ઉષ્માક્ષેપક: નીપજો સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માશોષક: ઊર્જા શોષાય.
  • વિસ્થાપન: સંયોજનમાંના એક તત્ત્વનું બીજા તત્ત્વ દ્વારા વિસ્થાપન.
  • દ્વિવિસ્થાપન: બે જુદા પરમાણુઓ કે આયનો (પરમાણુ સમૂહો) નો વિનિમય.
  • અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે.
  • ઑક્સિડેશન = ઑક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રિડક્શન = ઑક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું.

ધોરણ 10 · વિજ્ઞાન · પ્રકરણ 1 ના નોટ્સ

સ્રોત અને નોંધ: આ સામગ્રી વિદ્યાર્થીઓની તૈયારી માટે સરળ ભાષામાં તૈયાર કરી છે. પરીક્ષા અંગેની સત્તાવાર માહિતી માટે સંબંધિત બોર્ડ/શિક્ષણ વિભાગની વેબસાઇટ અને પાઠ્યપુસ્તક જુઓ.

કોઈ ભૂલ જણાય તો અમને જણાવો.  |  Disclaimer

No comments:

Post a Comment